Article Details

Ahamvadi Shridhar Na Hriday Parivartan Ni Katha Etle Anusandhan | Original Article

Patel Hardika Pravinkumar*, in Journal of Advances and Scholarly Researches in Allied Education | Multidisciplinary Academic Research

ABSTRACT:

ધીરુબહેન પટેલની આ લઘુનવલ 6 પ્રકરણ અને 112 પેજમાં પૂર્ણ થતી અગાઉ જોયેલી નવલકથાઓ કરતાં તદ્દન નવું જ વિષયવસ્તુ લઈને આવનારી લઘુનવલ છે. અહીં પણ સ્ત્રીની વ્યથા-કથા તો આવે જ છે પણ વિશેષરૂપે આ લઘુનવલમાં આલેખાયેલા એક પિતા વયોવૃદ્ધ થાય છે તે પછી જિંદગીના સરવાળાને બાદબાકી કરતાં તેમને જણાય છે કે તેમનાથી એવું ઘણું અયોગ્ય થઈ ગયું છે જેનો બધો હિસાબ ચૂકતે કરવાનો સમય આવી ગયો છે ને તે ચૂકતે કર્યા પછી જ શાંતિથી ને આનંદમયરૂપે આ દુનિયાને છોડીને જઈ શકશે. જિંદગીના થોડાં પાનાં જીવવાના બાકી હોય છે ત્યારે એક પિતાનો પુત્રી પ્રત્યેનો સ્નેહ જાગી ઉઠે છે બલકે એમ કહી શકાય કે અન્ય માનવોને સમજવાનો તેમનો અભિગમ બદલાયેલો જોવા મળે છે. પિતા-પુત્રીના સંબંધોને તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ તેને શબ્દસ્થ કરવાનું કાર્ય પણ અઘરું છે. મને યાદ છે કે ગુજરાતી સાહિત્યના એક લોકપ્રિય લેખિકા કાજલ ઓઝા વૈદ્ય એક પ્રોગ્રામમાં સ્ત્રી સન્માનની વાત કહેતા હતાં ત્યાં દીકરીનું મહત્વ સમજાવતા મૂર્ધન્ય સાહિત્યકાર એવા ચંદ્રકાન્ત બક્ષીએ દીકરી માટે કહેલી વાત કહેતાં કહે છે કે ‘દીકરી એટલે પુરુષના જીવનની અંતિમ સ્ત્રી’ એટલે કે એક દીકરીના બાપ બન્યા પછી પુરુષના જીવનનો બધો ખાલીપો એક દીકરી પૂરો કરી દે છે. એ એક ‘મા’ પણ છે જે હંમેશા પોતાના પિતાની કાળજી રાખે છે. તે માંદા પડે તો તેમની દવાથી માંડીને તેમના માટેની બધી જ જરૂરી બાબતોની કાળજી રાખે છે. અહીં મને લેખિકાએ કહેલી એ ટૂંકી વાત યાદ આવી જાય છે. જે આ નવલકથાના સંદર્ભમાં પણ જોઈએ તો સાચું ઠરે છે. વૈજયંતી પણ ઘણાં સમય પહેલા ઘર છોડીને જતી રહી હોવા છતાં શ્રીધરની (પિતા) માંદગીના સમચાર સાંભળ્યા પછી ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તે પોતાના પિતાની સેવા શુશ્રૂષા કરવા માટે તત્પર બનતી જોવા મળે છે.